કલબલાટ

ક્યારેક વિચારોને વાણી આપવી જરૂરી હોય છે…

શા માટે માણસાઈ, સ્વાર્થ સામે હારી જાય છે?

with 5 comments

ઘણી વાર વિચાર આવે છે કે, માણસમાં રહેલી માણસાઈ મરી પરવારી છે અથવા તો માણસ દિવસે ને દિવસે સ્વાર્થી થતો જાય છે. આમ જોવા જાય તો, સ્વાર્થીપણું માણસના સ્વભાવમાં જ છે. કેટલાક ઓછા સ્વાર્થી હોય છે કેટલાક વધારે સ્વાર્થી હોય છે. ૧-૨ વર્ષનું બાળક, પોતાની ઉંમરનું બીજું કોઈ બાળક ઘરમાં આવે તો પોતાને મનગમતા રમકડાં પોતાની પાસે રાખી લે છે કે સંતાડી દે છે. તો એવું ધારી શકાય કે સ્વાર્થી હોવું એ માણસ નામના પ્રાણીનું “ડીફોલ્ટ ફીચર” છે.

થોડા દિવસો પહેલાં મિત્રો સાથે “એવેન્જર્સ” મુવી જોવા ગયા હતા અને મુવી શરુ થાય એ પહેલાં હું મિત્રોની રાહ જોતો હતો. ત્યાં એક ૫૦-૫૫ ની એક બાઈ એક ૧૦-૧૧ મહિનાનું બાળક લઈને, આવતા જતાં પાસે થોડા પૈસાની મદદ માંગતી હતી કે જેથી બાળકને કંઈક ખવડાવી સકે. બપોરના એક-દોઢ થયા હતા અને તાપ માથા પર હતો. બાળકની હાલત જોઇને એવું લાગતું હતું કે વધારે સમય આ રીતે તડકામાં રહેશે તો ના કરે નારાયણ, કંઈ પણ થઇ શકે છે. એ બાઈ એ મારી પાસે પણ હાથ લાંબો કર્યો. આજના જમાનામાં મદદ માંગનારા દરેક લોકોની ભાવના સાચી જ હોય એવું નથી. ઘણી વાર મદદ કરીને છેતરાયા હોવાની પણ લાગણી થાય છે (અને થઇ પણ છે) અને આવા અનુભવો ના લીધે, કેટલીક વાર જેને ખરેખર જરૂર છે એવાની મદદ કરવાનું પણ ચૂકી જવાય છે. પહેલી વાર મને પણ આજ વિચાર આવ્યો અને લાગ્યું પણ ખરું કે, શું કોઈ માં-બા એટલી સ્વાર્થી હોય શકે કે પોતાના બાળકને ભર તાપમાં ૨ પૈસા માટે પરસેવો પડાવે? હા કદાચ હોય પણ શકે? પણ શું જયારે આપને મુવી જોવા માટે ૨૦૦-૩૦૦ બેઝીઝક ખર્ચી શકતા હોય તો ૨, ૫ કે ૧૦ રૂપિયાની મદદ કરી દેવામાં કોઈ હિચકીચાહટ થવી જોઈએ? ના થવી જોઈએ, પણ થાય છે.

એકાદ વર્ષ પહેલાં એક બીજો અનુભવ થયેલો. એક નેત્રહીન વય્ક્તિ રસ્તાની સામે છેડે હતો અને રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરતો હતો. એ થોડો પ્રયત્ન કરતો અને ગાડીના અવાજ સાંભળી એક ડગલું પાછું જતો રહેતો અને એ સમયે એના ચહેરા પર એક હળવી સ્માઈલ પણ આવી જતી હતી. મને ઈચ્છા થઇ કે હું સામે પર જઈને એ ભાઈ ને રસ્તો ક્રોસ કરાવું. એટલામાં કોઈકનો ફોન આવ્યો અને મેં સહજ પણે જાણીતો નંબર જોઈ ફોન ઊંચક્યો અને સાથે વિચાર્યું થોડુક ટ્રાફિક ઓછું થાય એટલે રસ્તો ક્રોસ કરું અને ફોન પર વાત પણ પતાવી દઉં. એટલામાં એ ભાઈ એ રસ્તો ક્રોસ કરવાની શરૂઆત કરી અને મુશ્કેલીથી ઓળંગ્યો. શા માટે “માણસાઈ”, “સ્વાર્થ” સામે હારી જાય છે? હા, આ કોઈ મોટી વાત છે નહિ, પણ રસ્તાને સામે છેડે મારો કોઈ સ્નેહીજન કે મિત્ર હતે, તો પણ હું આવું જ કરતે? ફોન પર વાત કરતે? કદાચ નહિ.

ટ્રેનમાં જનરલ ડબ્બામાં મુસાફરી કરો તો જાતભાતના લોકો જોવા મળી જાય. પોતાના શર્ટથી ડબ્બો લુંછતા અપંગ બાળકો, નાની નાની વસ્તુઓ વેચતા નેત્રહીન વયક્તિઓ, ગીત ગાઈ કે વાજિંત્રો વગાડી મનોરંજન કરતા બાળકો… દરેકની પોતાની એક કહાની છે. ૫-૬ વર્ષ પહેલાં, આવી જ રીતે મુસાફરી કરતા એક વાર જોયું કે, એક શિક્ષિત લાગતા બહેન પોતાના ૪-૫ વર્ષના બાળક સાથે બેઠેલા હતા. બાળક બિસ્કીટ કે એવું કંઈક ખાતું હતું. થોડી વારમાં એક એટલી જ ઉંમરનું કે થોડીક વધારે ઉંમરનું બાળક આવ્યું અને દરેક પાસે ખાવાની કે થોડા પૈસાની માંગણી કરતું હતું. પેલા બહેને એને ધમકાવ્યું અને આગળ જવા કહ્યું. બીજા ઘણા મુસાફરોએ પણ ખાસ ધ્યાન આપ્યું નહિ. એકાદ-બે મુસાફરોએ ૧-૨ રૂપિયા આપ્યા. મારી પાસે આવ્યું, મેં પણ ૧-૨ રૂપિયા કાઢીને આપ્યા. છતાં પણ, પછી એવું પણ લાગ્યું કે આ તો માણસાઈ કરતા “સ્વાર્થી” લાગણી વધારે છે. મન ને બહેલાવવાનો એક પ્રયાસ, કે ચાલો કોઈ મદદ નથી કરતું, હું કંઈક તો કરું છું ને?

આપણે પોતાને અંદરથી ગમે તેટલો સારા કહેતા હોઈએ કે દુનિયા આપણને ઘણો સારો સમજતી હોય, પણ જો મને મારા કે મારા કુટુંબીઓ સિવાય બીજા કોઈની ચિંતા થતી ના હોય કે સમય આવ્યે કોઈને નિસ્વાર્થ મદદ કરવાની લાગણી થતી ના હોય તો શું આપણે દેશની બીજી સામાજિક કે અન્ય કોઈ સમસ્યામાં પોતાનું યોગદાન પૂરા દિલથી આપી શકીએ? કે પછી ફેસબુક પર સારા વિચારો, સારા લેખ શેર કરવાથી કે કોઈ સમસ્યા વિષે અભિપ્રાય આપી દેવાથી મારી સામાજિક જવાબદારી પતી જાય છે? હું પોતે ઘણી વાર આવું કરું છું, અને પછી એવી “સ્વાર્થી” લાગણી થાય છે કે ચાલો હું કંઈક બોલું તો છું, કંઈ નથી કરતો તો શું થયું. પણ એ તો ખુદ ને ખુશ રાખવાનો એક વિચાર માત્ર છે.

સારા સંસ્કારોના લીધે માણસ સારા કર્મો કરવાનું વિચારી શકે, પણ એને અમલમાં મુકવા દ્રઢ મનોબળ અને નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે, જે આજે માણસમાંથી ખોવાઈ ગઈ છે ક્યાં તો માણસ પોતે જ એક રૂટીન જીંદગીમાં ખોવાય ગયો છે.

Written by નિલેશ ગામીત

મે 13, 2012 at 3:15 pm

મધર્સ ડે

leave a comment »

Reblogged from વિહંગાવલોકન..:

Click to visit the original post

નમસ્કાર મિત્રો..!!! આજે  ‘મે’ મહિના નો બીજો રવિવાર.. દરવર્ષે ‘મે’ મહિના નો બીજો રવિવાર ‘મધર્સ ડે’ તરીકે ઉજવાય છે … આમ જોવા જઈએ તો આપણી મમ્મી આપણા માટે કેટલું બધું કરતી હોય છે કેટલું બધું સહન કરતી હોય છે કે જેના લીધે આપણને કોઈ તકલીફ ના પહોચે અને જેનું ઋણ કદાચ તો આપણે કદી પણ ચૂકવી નઈ શકીએ…..તો પણ આજની આ પોસ્ટ  દ્વારા જેટલી પણ મમ્મીઓ છે એમને ગર્વથી સલામ કરવાનો એક  પ્રયત્ન કરું છું….

Read more… 13 more words

ઘણું સરસ લખ્યું છે. હું વિચારતો હતો કે આ વિષય પર કંઈક લખીસ, પણ તારો લેખ વાંચીને એવું લાગ્યું કે, આનાથી સારી રીતે વિચારો વય્ક્ત કરી સકીશ નહિ :) Happy Mother’s Day ...

Written by નિલેશ ગામીત

મે 13, 2012 at 3:34 am

Posted in Uncategorized

એક શબ્દની શોધ

with 12 comments

હું કોઈ પ.પૂ.ધ.ધૂ કે બાબો છું નહિ એટલે લેખના અંતે કોઈ ફ્રી જ્ઞાનની આશા ના રાખતા :)

મારે એક પરિસ્થિતિ ને એક શબ્દમાં વર્ણવી છે. એટલે કે એવું ધારી લેવું કે હું એક નવા શબ્દની શોધમાં છું. “મગજ કામ ના કરતુ હોય તો મુવી જોવા એ સિદ્ધાંત પર ચાલીને ઘણા ફાલતું મુવી ઓ જોવાઈ ગયા”. હવે એ તુક્કો પણ કામે નથી લાગતો, એટલે લખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. બક્ષી સાહેબે કહ્યું હતું કે “વિચારવું એ એક ખતરનાક ક્રિયા છે”, પણ શું કરું એવું જ વિચારાય જાય છે, જે ના વિચારવું જોઈએ.

તો હું જે પરિસ્થિતિની વાત કરું છું, તે ઊંડાણથી સમજવા માટે થોડા ઉદાહરણ જરૂરી છે. જોયું.. આપણે હવે કોઈ વાત સીધે સીધી કરતા નથી :) અમુક પ્રાણીઓના સંગાથની અસર, બીજું શું. :P

ઉદાહરણ#૧ 

તમે પરીક્ષા ખંડમાં પ્રવેશો છો. પ્રશ્નપત્ર હાથમાં આવે છે. ૧૦-૧૫ મિનીટ આમતેમ  ફેરવી ને આજુ-બાજુ બાઘા મારીને તમે એવા તારણ પર પહોંચો છો કે, બોસ… પાસ થવાના કોઈ ચાન્સ નથી. હવે? ૨ કલાક કરવું શું? અગત્યની પરીક્ષા છે, પણ  યાર ઉઠીને જઈ પણ  નથી શકતા અને બેસીને લખી પણ નથી શકતા. હવે શરુ થાય છે, મગજ માં વિચારો… ક્યારેક હસવું પણ આવી જાય અને ક્યારેક રડવાની પણ ઈચ્છા થાય. બસ એમ જ થાય કે આ ૨ કલાક ક્યારે પતે અને ક્યારે રૂમ માંથી બહાર નીકળું. સાથે સાથે, એવી ઈચ્છા પણ થઇ આવે કે, કાશ કોઈ પ્રોફેસર આવે અને કહે કે આ તો બીજું પેપર છે, ભૂલથી તમને અપાય ગયું છે. કાશ….

ઉદાહરણ#૨

તમે જંગલમાં ફરી ને પાછા આવી રહ્યા છો. સુમસામ રસ્તો છે. કાર ભાડે કરી છે. વરસાદની ઋતુ છે. સાંજ થઇ ચૂકી છે અને તમારે જ્યાં પહોચવાનું છે તે ૧ કલાકની દૂરી પર છે. એવામાં કારના ટાયરમાં પંચર પડે છે અને બીજું વધારાનું ટાયર પણ નથી. એવી ઈચ્છા થાય છે કે, જ્યાં પહોચવાનું છે ત્યાં જલ્દી પહોચી જઈએ, પણ મગજને ખબર છે કે વાટ લાગી ચૂકી છે અને હવે ૨-૩ કલાક ચાલ્યા સિવાય કોઈ છુટકો નથી. ત્યાં એક વિચાર આવે છે કે, કાશ કોઈ ગાડી આવે ને લીફ્ટ આપે. કાશ….

ઉદાહરણ#૩

તમે એવા સમારંભ, મીટીંગ કે મેળાવડામાં જાવ છો, જ્યાં તમારા સિવાય બધ્ધાં જ વધારે જ્ઞાની અને ચઢીયાતા છે અથવા તો તમને એવું લાગે છે. જે હોય તે.. મૂળ વાત, તમે ત્યાંથી જલ્દી ભાગવા માંગો છો, પણ છટકી શકો તેમ નથી અને બસ રાહ જુઓ છો, કે ક્યારે આ પતે. ફરી એક વિચાર પણ આવે છે કે, કાશ કોઈ આપણા જેવું પપલું મળી જાય, ક્યાં તો કોઈ સખત બહાનું મળી જાય. કાશ…

ઉદાહરણ#૪

તમને પ્રેક્ટીકલ ની પરીક્ષામાં કોઈ પ્રોગ્રામ લખવાનું કહેવામાં આવે છે. હવે કોલેજમાં તો ૨ લીટીનો પ્રોગ્રામ પણ રોકેટ લોન્ચ કરવાનો પ્રોગ્રામ હોય એવું લાગે. એમાં પાછું આવડતું ના હોય તો ફરી ૨-૪ કલાક શું કરવું એ સવાલ સતાવે. બાજુ વાળું પ્રાણી ધબાધબ ટાઇપ કરતુ હોય અને આપણે ફાંફા મારતા હોય. થોડા સમયમાં ખબર પડી જાય કે, ૪ કલાક પછી સાહેબ જયારે જોવા આવશે કે શું કર્યું, ત્યારે ગેંગે ફેંફે થઇ જશે. ફરી એજ રાહ જોવાની કે ક્યારે સમય પતે. ઈચ્છા પણ થાય, કે જે કોમ્પુટર પર બેઠા છે, એમાંથી રેડીમેડ પ્રોગ્રામ મળી જાય તો. કાશ….

હવે આટલી તો ખબર પડી જ ગઈ હશે કે આ આપણા જ અનુભવો ટાંક્યા છે.

તો મૂળ વાત પર આવીએ… આ એવી પરિસ્થિતિ છે કે જેમાં,

૧. તમને ખબર પડી જાય છે કે તમારી વાટ લાગી ચૂકી છે કે ૧૦૦% લાગવાની છે.
૨. તમે પરિસ્થિતિથી ભાગી પણ નથી શકતા.
૩. હસવું કે રડવું એ સમજ ના પડે.
૪. આત્મવિશ્વાસની ધજીયા ઉડી જાય.
૫. ફક્ત રાહ જોવાની હોય છે કે, ક્યારે આ સમય નીકળી જાય.
૬. આશાનું એક નાનું કિરણ મગજમાં ઉદભવે, પણ ખબર જ હોય કે એ કિરણ ક્યારેય પ્રકાશ ફેલાવશે નહિ.

હું એવા એક શબ્દની શોધમાં છું, જે ઉપરની પરિસ્થિતિને વર્ણવી શકે. આવી પરિસ્થિતિમાંનો એ “સમય” કે જેને પસાર કરવો ખૂબ અઘરો છે એને, “વાટ કાળ” કે  એવું કંઈ નામ આપી શકાય? કે કોઈના મગજમાં નવો શબ્દ આવે (ગુજરાતી કે અંગ્રેજી, વાંધો નહિ), તો જણાવશો.

આ લેખ લખવાનું કારણ શું? જુઓ, પહેલાં તો હસતાં હસતાં ઘણું બધી કહી નાખ્યું છે, પણ વાત અઘરી જ લખી છે ;)  આ અઘરા સમય ગાળાની જે વાત કરી તે ૨ કલાક કે ૪ કલાક જ હોય એવું નથી. આવો સમય ગાળો દિવસો સુધી, મહિનાઓ સુધી કે પછી વર્ષો સુધી પણ આવી શકે છે, એવું મારા ભટકતાં મનનું માનવું છે. એટલે લખી નાખ્યું. ક્યારેક ઈચ્છા થઇ આવે છે કે… કાશ…

Written by નિલેશ ગામીત

મે 10, 2012 at 5:20 pm

વોર હોર્સ – સ્ટીવન સ્પીલબર્ગનું અદભૂત મુવી

leave a comment »

વોર હોર્સ ૧૦ ફેબ ૨૦૧૨એ ભારતમાં રીલીશ થયેલું, પણ દુર્ભાગ્યે સુરતમાં રીલીશ ના થયેલું. The Adventures of Tintin પછીનું સ્ટીવન સ્પીલબર્ગનું મુવી. હવે સ્પીલબર્ગ હોય એટલે પૂછવાનું ના હોય.

તો વાર્તા એવી છે કે, ઈંગ્લેન્ડમાં “આલ્બર્ટ” નામનો ટીનએજ છોકરો એક ઘોડાને નાનપણથી ઉછેરે છે. ઘોડાનું નામ છે “જોવી”. થોડા સમયમાં world war I ફાટી નીકળે છે. જમીનદારનું કરજ ચૂકવવા આલ્બર્ટના પિતા ઘોડાને લશ્કરમાં વેચી દે છે. આલ્બર્ટ ઘોડાની સાથે રહેવા લશ્કરમાં ભરતી થવા માંગે છે, પણ  ઓછી ઉંમરને કારણે ભરતી થઇ શકતો નથી. ૨-૩ વર્ષ પછી એ લશ્કરમાં ભરતી થાય છે. આ બાજુ ”જોવી” યુદ્ધમાં લશ્કરથી છુટો પડી જાય છે. દુશ્મન દેશમાં ફરતો, બચતો રહે છે અને નસીબ જોગે અંતમાં પાછો ઈંગ્લેન્ડ ફરે છે. જર્મનીમાં પણ  ”જોવી” ને બચાવવા વાળા દિલદાર લોકો મળી રહે છે.

ફિલ્મનો અંત, એટલે કે છેલ્લી ૧૫-૨૦ મિનીટસ તો અદભૂત છે. ફક્ત સ્ટીવન સ્પીલબર્ગ જ આટલો અસરકારક અંત બતાવી શકે. Saving Private Ryan ની ટક્કરનું નથી પણ વખાણવા લાયક તો છે જ.

Written by નિલેશ ગામીત

April 23, 2012 at 4:40 am

Posted in ફિલ્મ

ફિલ્મ : 'BETTER હાફ'

with 6 comments

Reblogged from મારો બગીચો:

  • Click to visit the original post
  • Click to visit the original post

- થોડા સમય પહેલા જોવાયેલી ફિલ્મ અંગે આગળની પોસ્ટમાં વાત કરી હતી જેમાં નોંધ લેવાની ભુલાઇ ગયેલી એક સરસ ફિલ્મ એટલે… “બેટર હાફ”

- આ ફિલ્મની નોંધ લેવામાં ચુક થાય તે ચલાવી તો ન લેવાય. (તો પણ હવે મારી યાદશક્તિની કમજોરી આગળ હું મજબુર છું.) જો કે એક વાત એ સારી થઇ કે આ ભુલના કારણે આજે અહી વિસ્તારથી લખી શકાશે.

Read more… 19 more words

સરસ મુવી લાગે છે... અને "જેની સાથે રહીને વૃધ્ધ થવાનું મન થાય તે પ્રેમ"... ગમ્યું... જોવાના સંજોગો થશે ત્યારે જોવાઈ જશે :)

Written by નિલેશ ગામીત

April 18, 2012 at 7:25 am

ટર્નીંગ પોઈન્ટ

with 8 comments

આ નવી કેટેગરી આજથી શરુ કરવામાં આવી છે - ટર્નીંગ પોઈન્ટ. જીવનમાં જે નાની મોટી ઘટનાઓ બને છે અને પછી જે ઉપર નીચે થાય છે તેના વિષે મારા અનુભવો.

આજે જુના કાગળો આમતેમ કરતા એક છાપાંની કાપલી મળી આવી. આપણું નામ પણ પેપરના પાને ચઢી ચુક્યું છે ;)

રીજીઓનલ કોલેજમાંથી કોમ્પ્યુટર એન્જીનીઅરીંગ, એગ્રીગેટ ૬૦%, ડીગ્રી પર distinction છાપેલું…. છતાં બેકાર, એટલે કોલેજમાં જ central computer center માં system administrator તરીકે કામ શરુ કર્યું. સર્વર મોનીટરીંગ, configuration એવું બધું.. પણ આપણને બો રસ ના પડે. હવે થયું એવું કે કોલેજવાળાઓએ ૨૦૦૫ માં online election કરવાનું વિચાર્યું એટલે system ડેવેલોપ કરવાનું કોમ્પ્યુટર department ને માથે આવ્યું અને અનુભવી પ્રોફેસરો (?) અને ઓછા અનુભવી એડહોકસ લાગ્યા ડેવેલોપ કરવા. મને અને યોગેશને કહેવામાં આવ્યું હતું કે તમારું કામ સર્વરનું અને નેટવર્કનું ધ્યાન રાખવાનું. થયું શું? ૨-૩ મહિનાના સખત પરિશ્રમ (?) પછી ટાય ટાય ફીશ અને election ની તારીખ નજીક.

એટલે in-charge પ્રો. ધીરેન પટેલે (ધીરેન સર માટે ઘણું માન છે. જયારે પણ જરૂર પડી છે, ત્યારે તેમણે પોતાથી બનતો સહયોગ આપ્યો છે. મુશ્કેલ પરિસ્થિતિમાં કેવી રીતે જલ્દી થી કામ પાર પાડવું, લોકો પાસેથી કામ કરાવવું, જ્યાં ખોટું હોય ત્યાં સીધી “ના” કહેવી.. એવી ઘણી બધી અગત્યની વાતો તેમની પાસેથી શીખવા મળી છે.) નવું અને સરળ માળખું તૈયાર કર્યું અને આ વખતે ૨ ટીમને કામ સોપ્યું. એક પેલી જૂની ટીમ અને નવી ટીમ એટલે હું અને યોગેશ. રાત-દિવસ કામ કરીને ૨ દિવસમાં software તૈયાર. ટેસ્ટીંગ સાથે અને નાના ચેન્જીસ સાથે ૭ દિવસમાં મિશન કમ્પ્લીટ :) પેલી બીજી ટીમ હજી database બનાવવામાં પડી હતી અને આપણે બાજી મારી ગયા. (એન્જીનીઅરીંગ  કોલેજોમાં ઘણા પ્રોફેસરો, એડહોકસ એવા હોય છે કે તેમનામાં કેટલું પાણી છે એ છેલ્લા વર્ષમાં જ ખબર પડે છે. કાશ પહેલા ખબર પડી હોત તો ૭૦% લેક્ચર્સ તો બંક જ કર્યા હોત ;) )

હવે આવ્યો D day એટલે કે election નો દિવસ. મને અને યોગેશને સર્વર રૂમમાંથી ન  નીકળવાની કડક સુચના હતી :D અમારી સાથે કોલેજના ડીન પણ બેઠા રહ્યા ૪ કલાક. રૂમમાં બસ હું, યોગેશ અને ડીન (ના.. ૩ જણ ભેગા મળ્યા એટલે હમ, તુમ ઔર bagpiper એવું ના હતું… ચા અને નાસ્તો હતા ટાઇમપાસ માટે :P ). સરવાળે બધું બરાબર થયું. છેલ્લી ઘડી એ કેટલીક requirements change થઇ હતી, પણ ઝડપથી patch મારવામાં આવ્યા હતા. હા, system માં અમુક ઝોલ હતા ;) , પણ એનાથી system break થાય એવું હતું નહિ.

પણ એ દિવસ ભારે ટેન્સનનો હતો. ૦ અને ૧ bit કેટલાં અગત્યના છે એ ત્યારે સમજાતું હતું.  એક તો કોલેજ પત્યા પછી પહેલીવાર, કોલેજ માટે જ કંઈક contribution કર્યું હતું અને ૪૦૦ students સિસ્ટમ use કરવાના હતા. જો કંઈ પણ પ્રોબ્લેમ્સ આવતે, તો કોલેજના પ્રોફેસરો; જે આપણને છેલ્લા ૪ વર્ષથી જાણતા હતા તેમની નજરમાં થોડી કીમત ઓછી થઈ જતે અને વધારામાં ખુદના આત્માવિશ્વાસની પણ ધજીયા ઉડી જતે. પણ એવું કંઈ ના થયું અને છેલ્લે feel થયું… “કરલી દુનિયા મુઠ્ઠીમેં” :)

ગુજરાત સમાચાર અને Times of India માં આ વિષે articles છપાયાં હતા. ગુજરાત સમાચારનો article અહી નીચે છે. હંમેશાની જેમ લખવાવાળાઓએ થોડું મીઠું-મરચું નાખ્યું હતું ;)

મુદ્દાની વાત… આ software બનાવ્યા પછી આત્મવિશ્વાસમાં વધારો થયો અને લાગ્યું કે પપ્પુ પણ કોડીંગ કરી શકે છે ;) અને પછી આ સફળતાને લીધે જ મુંબઈમાં development માં હાથ અજમાવવાની તક મળી અને હિંમત પણ આવી.

શુભ રાત્રી !!

Written by નિલેશ ગામીત

April 14, 2012 at 4:01 pm

અપડેટ્સ-૫

with 6 comments

શોલે માં ધરમેન્દ્ર કહે છે “પિસ્તોલ જેલમેં આ ચૂકી હૈ” એમ, ઉનાળામાં લૂ સામે લડવા માટે ગામથી કેસૂડાના ફૂલ ઘરે આવી ચૂક્યા છે ;)

આજકાલ કાળા, સફેદ અને લીલા કલર ના મચ્છરો દેખાય રહ્યા છે અને પંખો ચાલુ રાખીને સુઈએ તો પણ પીછો નથી છોડતાં.

કેટલીક વાર થઇ આવે છે કે આખી દુનિયા ભાડમાં જાય ને માનસિક ત્રાસ આપનારા લોકો કૂવામાં પડે :D

આ આપણા ગુજરાતીઓ વાત વાત માં હથોડા છાપ અંગ્રેજી નો પ્રયોગ કેમ કરે છે.. તે સમજાતું નથી..

આખા ગામે સચિન સચિન કરી નાખ્યું, service tax ૧૦% થી ૧૨% વધ્યો, છે કોઈને ચિંતા?

શરીરના બધ્ધાં પ્રોબ્લેમ પેટથી શરુ થાય છે.. ગરમીમાં ખાવા પર કાબુ રાખવો જરૂરી છે એમ લાગે છે.

જીવનમાં કેટલીક ક્ષણો એવી હોય છે કે… તમે કંઈક ગુમાવી રહ્યા છો એવી લાગણી થાય છે… એ લાગણી ધીરે ધીરે તીવ્ર થતી જાય છે… અને ફક્ત રાહ જોવાની હોય છે… જ્યાં સુધી તમે એ કંઈક ગુમાવી ના દો ! ઇસીકા નાં જિંદગી હૈ ભાઈ :)

જયારે મગજ કામ ના કરતું હોય ત્યારે મૂવી જોવા - એ સિદ્ધાંત પર ચાલીને હમણાં સુધીમાં ઘણા બધા મૂવી જોવાય ગયા છે :P  આમીર ખાનની તલાશ જૂનમાં રીલીશ થવાની હતી તે હવે december માં થશે :( અને નજીકના ભવિષ્યમાં તો બધ્ધાં ફાલતૂ મૂવી રીલીશ થઇ રહ્યા છે, એટલે hollywood ના મૂવીસ પર આશા રાખવી પડશે.

ઘણી વાર નાના છોકરા કકળાટ નથી કરતા એના કરતા મોટા છોકરા (એટલે કે તેમના માંબાપ) વધારે કકળાટ કરતા હોય છે :D

એક-બે રોંગ નંબર આવ્યા, લોકો બંટુના (ubantu નહિ) પપ્પાને શોધતા હતા… કહાં કા બંટુ બે… બંટુની મમ્મીને તો આવવા દો ;)

ફેસબુક ને ધીરે ધીરે અલવિદા કરવામાં આવશે અને internet  નો પણ જરૂર હોય ત્યારેજ ઉપયોગ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.. માનો યા ના માનો :|

બીજા ગુજરાતી બ્લોગ્સ – લેખ વાંચવાની મજા આવે છે…  થોડાં વાક્યો ગમ્યાં તે નીચે ટપકાવ્યા છે.

  • કેટલીયે વાર આપણે અનિર્ણિત મનોદશામાં જીવતા હોઈએ છીએ. સેંકડો અને લાખો લોકો જીવનભર એવી રીતે જીવી કાઢે છે. એમને એ ખબર નથી હોતી કે એમને શું જોઈએ છે. અને એ અનિર્ણિત પરિસ્થતિ જીવનની નાવને પારાવાર રીતે આમતેમ હડસેલ્યા કરે છે. (Ref)
  • જે મળે તેને ચાહવુ એ સમજૂતી છે, જે ચાહો તેને મેળવવુ એ સફળતા છે. પણ જ્યારે ખબર હોય કે જે નથી મળવાનુ,  છતાં તેને ચાહો તે સાચો પ્રેમ છે. (Ref)
  • સદીઓથી માણસ સુખની શોધમાં દુઃખી થતો આવ્યો છે.
આ લખી રહ્યો છું ત્યાં સુધીમા પાકિસ્તાનની ક્રિકેટ ટીમે સારો એવો સ્કોર ઉભો કરી દીધો છે… જોઈએ હવે ભારતનો કયો વાઘ દોડે છે.

આજના દિવસ માટે અલવિદા …

Written by નિલેશ ગામીત

March 18, 2012 at 1:22 pm

ધ બ્રધર્સ કારામાઝોવ

leave a comment »

દિવ્યભાસ્કરની બુધવારની કળશ પૂર્તિમાં છેલ્લા ઘણા મહિનાથી કે (કદાચ એકાદ વર્ષથી) શ્રી. દીપક સોલિયા રશિયન નોવેલ ધ બ્રધર્સ કારામાઝોવનું ભાષાંતર કરતા આવ્યા છે. આવતા બુધવારે એનો છેલ્લો હપ્તો છે.

નોવેલમાં religion, philosophy, love, forgiveness જેવા તત્વોને ઘણીજ ખતરનાક રીતે (જે વસ્તુ વિચારવા પ્રેરે એ ખતરનાક જ કહેવાય) વણી લેવામાં આવ્યા છે. લેખક Fyodor Dostoyevsky એ વાત પર ભાર મૂકવા માંગે છે કે

આપણી કોઈ એક ચેષ્ટા કઈ રીતે, કોને, ક્યારે, કેટલી હદે સ્પર્શી શકે તે આપણે સમજી શકતા નથી. પણ સરવાળે, આપણી પ્રત્યેક ચેષ્ટા સમગ્ર સૃષ્ટી પર પ્રભાવ પાડતી હોય છે.”

અહી નોવેલ સમજવાનો કોઈ ઈરાદો નથી, પણ મારા મનને જેને લીધે હથોડા પડ્યા છે તે વિષે લખવું છે.

વાર્તામાં ૪ ભાઈઓ છે (એમાંથી એક સાવકો છે અને સંપૂર્ણ શેતાની વિચારધારા ધરાવતો છે, એટલે મારા મગજે એને ઇગ્નોર કર્યો છે)

(૧) આલ્યેશા: ઈશ્વરમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર (છતાં તેને પણ કોઈક સમયે ઈશ્વર હોવાના પોતાના વિશ્વાસ પર શંકા જાય છે)
હું જયારે નાનો હતો ત્યારે (શાળા અને માં-બાપે આપેલા સંસ્કારોને લીધે) ઈશ્વર વિષે કે તેના અસ્તિત્વ વિષે કોઈ પ્રશ્ન ના હતા અને ઈશ્વરમાં શ્રદ્ધા હતી.

(૨) ઇવાન: મુસીબતમાં હોય ત્યારે જ ઈશ્વર વિષે વિચારનાર (એટલે કે આજકાલના ધાર્મિક પ્રાણીઓ જેવો ફ્લેક્ષિબલ)
જેમ જેમ મોટો થતો ગયો તેમ ઈશ્વર છે એવી શ્રદ્ધા ડગમગતી ચાલી. કોઈ મુસીબત આવતી ત્યારે ઈશ્વરને યાદ કરવાની ઈચ્છા થતી. હાલના સમયની વાત કરું તો, સર્વધર્મ સમાન છે એ ભાવના મગજમાં ઘર કરી ગઈ છે, મૂર્તિ પૂજા માં ૦.૦૦૦૧% પણ વિશ્વાસ નથી, ધાર્મિક ધતીંગોથી મગજની નસો ફાટે છે (તે પછી કોઈ પણ ધર્મના હોય), કોઈ શક્તિ છે (જે માણસને ન સમજાય તેવા કામો કરે છે) એવો વિશ્વાસ છે… હા, પ્રાર્થના હજી પણ ક્યારેક કરી લઉં છું, મારા માટે નહિ, પણ શુભચિંતકો અને સ્નેહીઓના જીવનમાં શાંતિ રહે એ માટે (એ પણ ત્યારે… જયારે મને લાગે કે હું તેમને મદદ કરવા કે તેમના મનને શાંત કરવા અસમર્થ છું).

(૩) મિત્યા: ઈશ્વરના અસ્તિત્વને જરાય ના સ્વીકારનાર (છતાં તે ક્યારેક માનવા પ્રેરાય છે કે કદાચ ઈશ્વર જેવું હોય શકે છે)
“ધર્મ અને નાતજાત” કે જે માણસો વચ્ચે ભેદભાવો ઉભા કરે છે, બે માણસો વચ્ચે અંતર વધારે છે… તે જોઇને ક્યારેક લાગે છે.. “કોઈ શક્તિ છે”, એ વિષેની મારી રહી સહી શ્રદ્ધા પણ ગમે ત્યારે મરી પરવારશે. શું થશે એ તો સમય જ કહેશે.

શુભ રાત્રી :)

Written by નિલેશ ગામીત

March 14, 2012 at 6:03 pm

એકલતા

with 8 comments

emptiness is rare… it deserves respect…

ફેસબુક પર ક્યાંક વાંચ્યું, પણ સમજાયું નહી કે આમાં કવિ શું કહેવા માંગે છે? એટલે મારા મગજે જે અર્થઘટન કર્યું છે તે અહી લખી રહ્યો છુ.

emptiness is rare…

એકલતા કે ખાલીપણું, દરેકે દરેક માણસે પોતાના જીવનકાળમાં ક્યારેક ને ક્યારેક અનુભવ્યું જ હોય છે. કેટલીક વાર ભીડમાં હોવા છતાં લાગે છે કે હું એકલો જ છુ. આ ભીડ અજાણ્યા લોકોની પણ હોય શકે અને જેને જાણતાં હોય એવા સ્નેહી-સંબંધીઓની પણ હોય શકે.

ક્યારેક આ એકલતા અચાનક આવી પડે છે (જયારે તમે કોઈ સ્વજનને ગુમાવી દો છો ત્યારે), ક્યારેક ધીરે ધીરે તેનો અનુભવ થાય છે (જયારે તમે સંબંધોમાં વધતી દૂરીને અનુભવી શકો છો, પણ તે દૂરીને ઘટાડવા કંઈ કરી શકતા નથી) અને ક્યારેક કારણ વગર પણ એકલા રહેવાની ઈચ્છા થાય છે.

  • દરેક માનવી જાણે છે કે “ખાલી હાથ આયે થે હમ, ખાલી હાથ જાયેંગે”… છતાં આ જીવ એકલતાથી ઘબરાય છે. કેમ?
  • માનવીને ડગલે ને પગલે સહારાની જરૂર છે. જીવનના કોઈ પણ નિર્ણયને આજનો જીવ બીજા બે-ચાર લોકોના અભિપ્રાય વિના લઇ શકતો નથી. શા માટે?
  • શા માટે સ્વજનોના દુર જવાના વિચાર માત્રથી પણ આ મન વ્યાકુળ થઇ જાય છે?
it deserves respect…

છતાં ક્યારેક લાગે છે આ ખાલીપણું જરૂરી પણ છે… એનાથી માણસનો જીવન પ્રત્યેનો અભિગમ બદલાય શકે છે… અને આ એકલતાને પચાવી શકે તો, જીવનના કઠીન સમયગાળામાં લડવાની હિંમતમાં અને માનસિક સહનશક્તિમાં પણ વધારો થાય છે…

ઘણી વાર વિચાર આવે છે કે.. મારા જેવું હસતું હસાવતું પ્રાણી… લખવા માટે આવા અઘરા વિષયો જ કેમ પસંદ કરે છે?  જવાબ ક્યાંક એકલતામાં તો નથી છુપાયો ને? :)

Written by નિલેશ ગામીત

March 10, 2012 at 12:20 pm

અપડેટ્સ (હોળી માં ધૂળેટી)

with 8 comments

ગયા શુક્રવારે આ નાદાન જીવે એવી આશા રાખી કે weekend સારું જાય. તો થયું શું? રાતના ૧૦:૧૫ ઓફિસમાં જ થઇ ગયા. પછી? પછી રાતના ૩વાગે ઊંઘવાનો સમય મળ્યો :( કારણ: કીટાણું નહિ ક્લાયન્ટસ :)

હવે શુક્રવારની રાતનો ઉજાગરો વેઠ્યો હોય તો શનિવાર તો અડધો દિવસ ઊંઘવામાં જ જાય ને ;)

પછી આવ્યો રવિવાર, થયું ચાલો આજે કંઈક સારું થાય. સવારે ઇમેલ ચેક કર્યો તો જાણવા મળ્યું કે આપણું hosting બંધ કરવામાં આવ્યું છે. કારણ: માલવેર/વાયરસ એવું કંઈક અને hostmonster વાળાઓએ પ્રોબ્લેમ સોલ્વ કરવા, US ફોન કરવા જણાવ્યું હતું. સવારનો try કરતો હતો તે રાતના લાગ્યો (ભૂલ મારી જ, ક્યારે કોન્ટેક્ટ કરવું એ જોયું ના હતું). પછી રાતના ૧૧ વાગ્યે website પાછી working condition માં આવી.

ટૂંકમાં, સારા weekend ની આશા રાખી હતી, પણ થયું ટાય ટાય ફીસ :(

સોમવાર અને મંગળવારે, જમવાનું સીડ્યુલ ખોરવાયું અને હોળી આવતા સુધીમાં તો પેટે ધૂળેટી રમવાનું શરુ કરી દીધું. દુકાળ માં અધિકમાસ ની જેમ કાલે શરીરે એનો પરચો બતાવ્યો… નક્કી કર્યું કે વહેલા લાંબો થઇ જાવ (એટલે કે જલ્દી થી ઊંઘી જાવ), પણ રાતના બે વાર vomit ! કારણ: ઉજાગરો અને સાથે ભટ્કેલું જમવાનું સીડ્યુલ. હવે ઉનાળો આવ્યો છે તો એક ટાઇમ ચા પણ બંધ કરવી પડે.. એસીડીટી જેવું લાગે છે ;)

ટેન્સન ના લેવું એવું આપણે નક્કી કર્યું છે, પણ પેલું કહ્યું છે ને કે નસીબ ખરાબ હોય તો ઊંટ પર બેઠેલા માણસને પણ કુતરો કડ્ડી જાય તેમ કારણ વગર મગજ ૧૭ દિશાઓમાં ભટકી આવે. આની અસર અજાણતાં પણ ચહેરા પર આવી જાય અને વાણીવર્તનમાં પણ થોડું change આવી જાય. આના લીધે શુભચિંતકો દુઃખી થાય અને આપણાં કારણે દુઃખી થયા છે, એ જાણી મનને વધારે દુઃખ થાય (પણ કહીએ કોને?). આપણી ભાવના તો સૌને ખુશ જોવાની જ છે (આ ભાવના કોણ છે એમ પૂછવું નહિ… આગળ પણ કહ્યું છે :P ) અને મને સમજી શકતા લોકો આવી વાતોનું માઠું ના લગાડે એવી જ આશા રાખીએ (એનાથી વધારે તો કહી પણ શું શકું).

આજે એમ તો સારું છે પણ કામ પીછો છોડે? વિચાર્યું કે આજે આરામ કરીશું પણ લાગે છે ગ્રહો હજી નારાજ જ છે… urgent કામો માથા પર આવીને પડ્યા છે. એમ પણ ધૂળેટી મને પસંદ નથી એટલે કામ કરવામાં વાંધો નથી.. બસ આશા રાખીએ કે તબીયત ફરી સાથ ના છોડે !!

Written by નિલેશ ગામીત

March 8, 2012 at 4:34 am

Follow

Get every new post delivered to your Inbox.

Join 508 other followers